Tawang Clash: ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વધુ વકરી રહ્યો છે, આ પહેલા વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં ચીની સૈનિકોને વધુ નુકશાન પહોંચ્યુ હતુ, અને ભારતીય સૈનિકોને પણ નુકશાન થયુ હતુ, હવે આવી જ ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ઘટી છે.
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9મી અને 11મી ડિસેમ્બરની રાત્રે ફરી એકવાર ચીની અને ભારતીય સૈનિકો આમને સામને આવી ગયા હતા, ત્યાં ફરી એકવાર ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપવામા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન તરફથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવી આશંકા ભારતને પહેલાથી જ હતી. જેથી આ પ્રકારની સ્થિતિને સામનો કરવા ભારતીય સેનાએ પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરિણામે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો પીછો કર્યો હતો અને તેમને દોડાવી દોડાવીને ખદેડી દીધા હતાં. ભારતીય સેનાની આ કાર્યવાહી એટલી હદે આક્રમક હતી કે ચીની સૈનિકોને ખદેડવા જતા કેટલાક ભારતીય સૈનિકો પણ ચીનની પોસ્ટ સુધી પહોંચી ગયા હતા.
9મી ડિસેમ્બરે પેટ્રૉલિંગ દરમિયાન બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી, ઉલ્લેખનીય છે કે LACના તવાંગમાં સરહદને લઈને બંને દેશોની જુદી-જુદી માન્યતા છે. 2006થી બંને પક્ષો આ વિસ્તારોમાં પોત-પોતાનો દાવો કરી રહ્યાં છે, અને અનેકવાર આવી અથડામણ થતી રહે છે.