ગૌતમ મિસ્ત્રી, પ્રાંતિજ.
પ્રાંતિજ, હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દરેક દિવસોનો મહિમા અનેરો છે અને હવે આવનાર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથને રિઝવવાના દિવસો. અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે જેને અધિક શ્રાવણ પણ કહેવામાં આવે છે. દર વર્ષે આમ તો શ્રાવણ માસથી દશામાં વ્રત શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે અધિક શ્રાવણમાં અનેક શ્રદ્ધાળુ મહિલાઓએ દશામાં મૂર્તિનું સ્થાપન કર્યુ અને યથાશક્તિ સેવા પૂજા કરીને દસમા દિવસે વિસર્જન કર્યું.
પ્રાંતિજ ખાતે તથા આસપાસના ગ્રામિણ વિસ્તારમાંથી વિસર્જન માટે દસમા દિવસે એટલે કે તારીખ-૨૬/૭/૨૦૨૩ ની રાત્રે માર્કંડેશ્વર મંદિર પાછળની મોટી બૉખ માં વિસર્જન માટે અનેક શ્રદ્ધાળુઓ આવ્યા હતા.

દશામા મંદિર પાસેના ઘાટ પર આ વર્ષે મૂર્તિ વિસર્જન માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાળુ મૂર્તિ વિસર્જન માટે આવે ત્યારે ઘાટથી મર્યાદિત અંતરે મૂર્તિ લઈને બોટમાં મૂકી થોડા અંતરે મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું તથા માતાના દસ દિવસના શણગાર માટે, સ્થાપનના દાણા માટે તથા અન્ય પૂજન સામગ્રી માટે પ્લાસ્ટિકના બેરલ મૂકવામાં આવ્યા હતા જેથી ઘાટની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે.

મોડી રાત્રી થી વહેલી સવાર સુધી ટ્રસ્ટી સાથે અનેક સ્વયંસેવકો મૂર્તિ વિસર્જન ના સેવા કાર્યમાં લાગેલ જોવા મળ્યા હતા. ઘાટ પર અંધારપટ ન છવાય માટે વિપુલ પ્રમાણમાં હેલોજન લગાવ્યા તથા પાલિકાની ફાયર ટીમના જાંબાજ જવાનો તથા અન્ય તરવૈયાઓ ની ટીમ સ્થળ પર તેનાત રાખવામાં આવી હતી. પોલીસ સ્ટાફ પણ વિસર્જન સમય સુધી ખડે પગે હાજર જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ મોડી રાત્રી થી આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી અનેક શ્રદ્ધાળુ બૉખમાં પાણીનું સ્તર વધતાં મૂર્તિ વિસર્જન માટે પ્રાંતિજ ખાતે આવેલ જોવા મળતા રાત્રે લોકમેળો ભરાયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા હતા. આ વર્ષે યોજાયેલ મૂર્તિ વિસર્જન વિધિ નું આયોજન ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવતા તમામ શ્રદ્ધાળુઓના મુખ પર ખુશીની લાગણી જોવા મળતા દશામાં ની જય ના નારાથી અડધી રાત્રે ઘાટ ગુંજી ઉઠ્યો હતો.
